Bharati Prakriya Tunk Samaya Ma Hath Dharashe
ભરતી પ્રક્રિયા CM વિજય રૂપાણીએ ચાલુ કરાવી
ગાંધીનગર :સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્યમાં 10 ટકા ઇબીસીના
અમલીકરણ પર રોક લગાવ્યા બાદ રાજ્યમાં ઇબીસીની જોગવાઇનો અમલ કરવાનો નહીં
હોવાથી 60 હજાર જેટલી ભરતી ઉપર રોક લગાવવાની જાહેરાત કરી હતી, પરંતુ
રાજ્યના લાખો ઉમેદવારોમાં નિરાશા વ્યાપે નહીં તે માટે મુખ્યમંત્રી વિજય
રૂપાણીએ કાયદાકીય જોગવાઇઓનો ભંગ ન થાય તે રીતે મધ્ય માર્ગ શોધીને તમામ ભરતી
પ્રક્રિયા ચાલુ રાખવાના આદેશો કરાયા છે.
60 હજાર નોકરી અટકાવી લાખો યુવાનોને નિરાશ કરવાને બદલે CMએ મધ્ય માર્ગ કાઢ્યો
માત્ર પરીક્ષાના પરિણામની જાહેરાત અને નવી જાહેરાત બહાર નહીં પડાય. તે
સિવાયની તમામ પ્રક્રિયા ચાલુ રાખવા ભરતી એજન્સીઓને સૂચના અપાઈ છે. અરજીઓની
ચકાસણીથી લઇને પરીક્ષાના આયોજન સુધીની તમામ પ્રક્રિયાઓ ચાલુ રહેશે. હાલમાં
ઇબીસી અંગે સુપ્રીમ કોર્ટનું માર્ગદર્શન ન મળે ત્યાં સુધી નવી ભરતીની
જાહેરાત બહાર નહીં પડે તેમજ જે પરીક્ષાઓ લેવાઇ છે તેનું પરિણામ જાહેર
કરવામાં નહીં આવે કારણ કે આ બંને પ્રક્રિયામાં જ ઇબીસીની જોગવાઇ લાગુ પડે
છે.
20 લાખ ઉમેદવારોની ચાલુ મહિને પરીક્ષા
રૂપાણીએ ભરતી પ્રક્રિયા ચાલુ રાખવાની સૂચના આપતા પહેલાંથી જાહેર થઈ ગયેલી
પરિક્ષાઓ રાબેતા મુજબ જ લેવાશે. અંદાજે 20 લાખથી પણ વધુ ઉમેદવારો
ઓક્ટોબરમાં યોજાનાર 3 મોટી જગ્યા માટેની પરીક્ષા આપશે. 9મી ઓક્ટોબરે વન
વિભાગ દ્વારા વન રક્ષકોની જગ્યા માટે પરીક્ષા લેવાશે જેમાં અંદાજે 6 લાખ
ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ
આસિસ્ટન્ટની 5 હજાર જગ્યાઓ માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 16મીએ
પરીક્ષાનું આયોજન કરાયું છે. અંદાજે 7 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે.
ગુજરાત પોલીસ દ્વારા લોકરક્ષક, જેલસિપાઇ સહિત 17 હજાર જેટલી જગ્યાઓ ભરવા
માટે 23મીએ પરીક્ષા લેવાશે જેમાં પણ 7 લાખ જેટલા ઉમેદવારો બેસશે.